લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે બની શકે છે સેનાના નવા આર્મી ચીફ, CDSની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે નરવણે
લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે (Lt Gen Manoj Pande) આગામી આર્મી ચીફ બની શકે છે. આ મહિનાના અંત સુધીમાં વર્તમાન આર્મી ચીફ જનરલ એમએમ નરવણે (Army Chief General MM Naravane) નિવૃત્ત થશે. લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે નરવણે પછી સેનામાં સૌથી વરિષ્ઠ છે. બીજી તરફ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદની રેસમાં નરવણેનું નામ સૌથી આગળ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવતના મૃત્યુ બાદ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના પદની રેસમાં નરવણેનું નામ સૌથી આગળ છે. 8 ડિસેમ્બર 2021ના રોજ, જનરલ રાવત, તેમના પત્ની મધુલિકા અને 12 સશસ્ત્ર કર્મચારીઓ હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયા હતા.
છેલ્લા ત્રણ મહિનામાં સેનાના કેટલાક ઉચ્ચ અધિકારીઓની નિવૃત્તિ બાદ લેફ્ટનન્ટ જનરલ પાંડે નરવણે પછી સેનામાં સૌથી વરિષ્ઠ છે. આર્મી ટ્રેનિંગ કમાન્ડ (ARTRAC)ની કમાન સંભાળનાર વર્તમાન લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા 31 માર્ચે નિવૃત્ત થયા.
લેફ્ટનન્ટ જનરલ સીપી મોહંતી અને લેફ્ટનન્ટ જનરલ વાયકે જોશી થયા નિવૃત્ત
ડેક્કન હેરાલ્ડે IANS ને ટાંકીને જણાવ્યું હતું કે લેફ્ટનન્ટ જનરલ સીપી મોહંતી અને લેફ્ટનન્ટ જનરલ વાય.કે. જોશી 31 જાન્યુઆરીએ નિવૃત્ત થયા હતા. આ માર્ચના અંતમાં દળમાં પણ ફેરબદલ કરવામાં આવ્યો હતો. લેફ્ટનન્ટ જનરલ એસએસ મહેલે શિમલામાં ARTRACની કમાન સંભાળી. લેફ્ટનન્ટ જનરલ સી બંસી પોનપ્પાએ સેનાના એડજ્યુટન્ટ જનરલ તરીકે કાર્યભાર સંભાળ્યો. લેફ્ટનન્ટ જનરલ જેપી મેથ્યુઝે ઉત્તર ભારત ક્ષેત્રના જનરલ ઓફિસર કમાન્ડિંગ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
સેનાની ત્રણેય પાંખોના સંકલન માટે સીડીએસની પોસ્ટ બનાવવામાં આવી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ સેનાના ત્રણેય વડાઓથી ઉપર છે. એટલું જ નહીં, આ પોસ્ટ પર કામ કરનાર વ્યક્તિની વય મર્યાદા 65 વર્ષ છે. જનરલ બિપિન રાવત ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકે લશ્કરી બાબતોના વિભાગના વડા પણ હતા. તેઓ ત્રણેય સૈન્ય સેવાઓ માટે વહીવટી કાર્ય સંભાળતા હતા. દેશની તમામ સુરક્ષા એજન્સીઓ, સંસ્થાઓ અને સાયબર ઓપરેશન્સની કમાન્ડ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના હાથમાં છે.
સીડીએસની પોસ્ટ પર વહેલી નિમણૂકની સખત જરૂર
પૂર્વી લદ્દાખમાં ચીન સાથે સૈન્ય મુકાબલો લગભગ બે વર્ષથી ચાલી રહ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને આર્મી, નેવી અને ઈન્ડિયન એરફોર્સને થિયેટર કમાન્ડમાં એકીકૃત કરવાની સાથે સાથે ખરીદી, યોજના, પ્રશિક્ષણ અને સિંદ્ધાંતોના સંદર્ભમાં તેમની વચ્ચે જરૂરી તાલમેલ બનાવવા માટે સીડીએસની પોસ્ટ પર વહેલી નિમણૂકની સખત જરૂર છે. જનરલ રાવતે સમગ્ર પ્રક્રિયા શરૂ કરી દીધી હતી, પરંતુ તેમના અકાળે અવસાનને કારણે કામ અધૂરું રહી ગયું છે જે ઝડપથી પૂર્ણ કરવાની જરૂર છે.