યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે સતત સુવિધાઓ તેમજ પર્યટકોને આકર્ષે તેવા આકર્ષણોમાં ઉમેરો થયો છે. ખાસ તો પરિક્રમા પથ અને લાઈટ એન્ડ સાઉન્ડ શોને (Light And sound show) પરિણામે પ્રવાસીઓની સંખ્યા વધતા સ્થાનિક રોજગારીમાં વધારો થયો છે. પરિક્રમા પથ પર શ્રદ્ધાળુઓની સંખ્યામાં 225 ટકાનો વધારો થયો છે અને મંદિરની આસપાસના કોમ્પ્લેક્સને વિકસિત કરવામાં આવશે, આગામી બજેટમાં સરકાર તે માટે ફંડ પણ ફાળવશે. સાથે જ મંદિર પરિસરની આસપાસ પણ વિકાસકાર્ય શરૂ કરવામાં આવશે.
અંબાજીમાં એપ્રિલ માસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી તીર્થધામ ક્ષેત્રે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ તેમજ લાઈટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કરાવ્યો હતો. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ સ્થાનક ભાવિકોમાં અત્યંત અનેરૂ મહત્વ ધરાવે છે અને આ પરિક્રમા મહોત્સવના લીધે શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મહોત્સવ બાદ પરિક્રમા પથ પર આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં 225 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.
ચાલુ વર્ષના માર્ચ અને એપ્રિલ મહિનાની સરેરાશ સંખ્યાને ધ્યાનમાં લેતા જાણવા મળ્યું હતું કે પરિક્રમા મહોત્સવ પહેલા ગબ્બર મંદિર પર 3350 જેટલા શ્રદ્ધાળુઓ આવતા હતા. જે સંખ્યા વધીને 4450 થઇ ગઈ છે, જે 33 ટકાનો વધારો દર્શાવે છે. તેવી જ રીતે પરિક્રમા પથ પર 100 જેટલા શ્રદ્ધાળુઓ આવતા હતા જે સંખ્યા વધીને 2250 સુધી પહોંચી છે, જે 22.5 ગણો વધારો છે. અંબાજી મંદિરના દર્શનાર્થે આવતા ભાવિકોની સંખ્યામાં પણ 14 ટકાનો વધારો જોવા મળ્યો છે.
6,146 ચોરસ મીટર જેટલા વિસ્તારમાં મંદિરની આસપાસનો કોમ્પ્લેક્સને કરવામાં આવશે વિકસિત
અંબાજી યાત્રાધામના વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. પરિક્રમા મહોત્સવમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના આકર્ષણો ખુલ્લા મૂક્યા બાદ આગામી દિવસોમાં અંબાજી મંદિર કોમ્પ્લેક્સ નિર્માણ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે. તેમાં મંદિરની આસપાસના 6146 ચોરસ મીટર જેટલા વિસ્તારમાં વિકાસકાર્ય શરૂ કરવામાં આવશે. તેના માટે મંજૂરી આપી દેવાઇ છે અને અત્યારે સંપાદનની કામગીરી શરૂ છે. જાણીતા આર્કિટેક્ટ બિમલ પટેલ અત્યારે તે કોમ્પ્લેક્સની ડિઝાઈનની કામગીરી કરી રહ્યા છે. અંબાજી મંદિર પરિસરથી 75 મીટર વિસ્તારમાં વિકાસકાર્ય કરવા હેતુ તેમજ નવીન બિલ્ડિંગ માટેના સંયુક્ત અંદાજિત 62 કરોડના ખર્ચ માટે સરકાર દ્વારા આગામી બજેટમાં નાણાકીય જોગવાઈ કરવામાં આવશે.
પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં સ્થાનિકો ખુશખુશાલ
અંબાજી મંદિરમાં 3 કિ.મીના પરિક્રમા પથ અને લાઈટ એન્ડ સાઉનડ શોને જોવા માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના જણાવ્યા અનુસાર મંદિરમાં હવે દૈનિક એવરેજ 450થી 500 લોકોની થઈ છે, જે સંખ્યા શનિ અને રવિવારના દિવસે 600થી 700 સુધી પહોંચે છે. પરિક્રમા પથમાં મૂળ 50 શક્તિપીઠની પ્રતિકૃતિને આધારિત મંદિરો બનાવવામા આવ્યા છે. તે સિવાય લાઈટ એન્ડ સાઉન્ડ શો અત્યારે શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રવાસીઓની સંખ્યા વધવાથી સ્થાનિક સ્તરે રોજગારીમાં પણ વધારો થયો છે. અંબાજીમાં મોટાભાગના વેપાર ધંધા પ્રવાસન પર નભે છે, ત્યારે પ્રવાસીઓ વધતા સ્થાનિક રોજગારી પણ વધે છે.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/mSLsz0j
via IFTTT