ઉનાળા (Summer) ની અંગ દઝાડતી ગરમીથી રાહત મેળવવા લોકો અનેક ઉપાયો અજમાવતા હોય છે. અનેક પ્રકારના રસ, ઠંડા પીણા, ખાદ્યપદાર્થોનું સેવન કરતા હોય છે. ત્યારે ગીર (Gir) ના જંગલો (Forest) માં પણ વનવિભાગ દ્વારા સાવજો માટે આર્ટિફિશિયલ વોટર પોઇન્ટ બનાવી જંગલી પશુઓ માટે પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગીરના જંગલમાં આવા જે એક પોઈન્ટ પર ગજકેસરી પરિવાર સહિત પાણી પીતા કેમેરામાં કેદ થયા હતા. આર્ટિફિશિયલ વોટર પોઇન્ટ પર પાણી પીતાં 7 સિંહોના પરિવારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
આ ઉપરાંત અમરેલી જિલ્લાના રાજુલાના કાતર ગામ નજીક એક સાથે 13 સિંહ દેખાયા હતા. એક સાથે 13 સિંહ લટાર મારતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ગ્રામિણ વિસ્તારમાં પ્રથમ વખત 13 સિંહનું ટોળુ દેખાયું હોવાનું જાણવા મળે છે. ગામમાં એક સાથે આટલા બધા સિંહ દેખાતા વાડી વિસ્તારમાં કામ કરતા ખેડૂતોમાં ભય જોવા મળી રહ્યો છે. આવનારા દિવસોમાં રાજુલા બૃહદગીર રેન્જમાં સિંહોની ગણતરી વખતે સિંહોની સંખ્યા વધી શકે છે.
આ બાજુ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં સિંહ જોવા મળ્યો છે. લોધિકાના સાંગણવા ગામની સીમમાં જોવા મળતા રસ્તે પસાર થતા લોકોએ વીડિયો બનાવ્યો હતો.વાડી વિસ્તારમાં સિંહ જોવા મળતા ખેડૂતોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો. તો સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી. મહત્વનું છે કે ભૂતકાળમાં પણ જોવા મળ્યું છે કે ગીર જંગલમાંથી સ્થળાંતર કરી સિંહ દૂર દૂર સુધી આવી પહોંચ્યા હોય, દર વર્ષે ઉનાળામાં સિહં રાજકોટ તરફ આવી જાય છે.
મળતી વિગત મુજબ શનિવારે આજ બપોર બાદ સાંજના સમયે લોધિકા અને સાંગણવાના સીમ વિસ્તારમાં ગીરના રાજા ગણાતા સિંહએ દેખા દીધાની વાત ચોતરફ વાયુ વેગે ફેલાઈ ગઈ હતી. સીમ વિસ્તારમાં સિંહ જોવા મળ્યો હોવાની જાણકારી સ્થાનિક આગેવાનોએ ફોરેસ્ટ વિભાગને કરી હતી જેથી ફોરેસ્ટ અધિકારીઓ દોડી ગયા છે. અને ખરેખર સિંહ હતો કે કેમ? તેની ખરાઈ અને જો સિંહ જ હતો તો તે કઈ દિશામાં ગયો તે અંગે તપાસ હાથ ધરી હતી. હાલ આ ગ્રામ્ય પંથકમાં સિંહ આવ્યો હોવાની વાત ગ્રામજનો સુધી પહોંચતા ફફડાટ જોવા મળી રહ્યો છે.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/hGLSvMe
via IFTTT