અમદાવાદના(Ahmedabad) નારોલમાં કરોડો રૂપિયાની છેતરપીંડીની(Fraud) ઘટના સામે આવી છે. જેમાં ભાગીદારીમાં વિશ્વાસઘાત કરી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નારોલ (Narol) પોલીસ મથકમાં નોંધાઇ છે. જેના આધારે નારોલ પોલીસે આરોપી દિલીપસિંહ ભાટીયાની ધરપકડ કરી છે. આરોપી આમ તો સ્ટાન્ડર્ડ રોડ કેરિયરના નામથી ટ્રાન્સપોર્ટનો વેપાર કરે છે પરંતુ તેણે પોતાના જ ભાગીદાર સાથે ચાર કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. જેમાં ફરિયાદી અરુણકુમાર વાણીયાને વર્ષ 2008માં દિલીપસિંહ ભાટીયા સાથે પરિચય થયો હતો અને તેઓએ નારોલ વિસ્તારમાં ભાગીદારીમાં જમીન ખરીદી તે જમીન ઉપર સુખઅમૃત કોમ્પલેક્ષ નામની કોમર્શિયલ સ્કીમ બનાવી હતી. જે જમીનનો વિવાદ થતા કોર્ટમાં કેસ ચાલતો હતો તેવામાં ફરિયાદીને પોતાના રોકાણ કરેલા કરોડો રૂપિયા ડૂબી જવાનો ડર લાગતા તેણે ભાગીદાર દિલીપસિંહ ભાટિયા સાથે સમજૂતી કરાર કર્યો હતો.
17 દિવસ બાદ જ 27 દુકાનો બારોબાર વેચી દીધી હોવાનું સામે આવ્યું હતું
જેમાં કોમ્પલેક્ષની બાકી રહેલી 55 દુકાનો એકબીજાની સહમતીથી વેચવાનું નક્કી થયું હતું અને તે દુકાનોમાંથી આવેલી રકમમાં નફાનો 65% હિસ્સો દિલીપસિંહ તેમજ 35 ટકા હિસ્સો ફરિયાદીનો નક્કી કર્યો હતો. જોકે આરોપી દિલીપસિંહ ભાટિયાએ સમજૂતી કરાર કર્યાના 17 દિવસ બાદ જ 27 દુકાનો બારોબાર વેચી દીધી હોવાનું સામે આવ્યું હતું.
શંકાના આધારે ફરિયાદ નોંધાવતા નારોલ પોલીસે તપાસ તેજ કરી
ફરિયાદી વેપારીને આ ઠગાઈ મામલે જાણ થતા તેઓએ નારોલ પોલીસ સ્ટેશનમાં દિલીપસિંહ ભાટિયા વિરુદ્ધ ચાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે સાથે જ સંયુક્ત ભાગીદારીની મિલકતમાં આવેલ 55 દુકાનો પૈકી 27 દુકાનો ઉપર અન્ય વ્યક્તિને દસ્તાવેજ કરી આપીને છેતરપિંડી આચરનાર દિલીપસિંહ ભાટીયા કોમ્પ્લેકસની બાકી રહેતી 30 દુકાનો પણ જાણ બહાર વેચી દે તેવી શંકાના આધારે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ તેજ કરી છે.
હાલ તો આ સમગ્ર મામલે નારોલ પોલીસે આરોપીની ધરપકડ કરીને પોલીસે તેની વધુ પુછપરછ શરૂ કરી છે. જોકે ચાર કરોડની છેતરપિંડીની રકમનો આરોપીએ શું કર્યું અને આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સામેલ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/7wBuRd4
via IFTTT