મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને રાજ્યના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે (Aditya Thackeray) હવે 10 જૂનને બદલે 15 જૂને અયોધ્યા જશે. તેમણે આ નિર્ણય આગામી રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લીધો છે. શિવસેના સાંસદ સંજય રાઉતે શનિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આદિત્ય ઠાકરેની અયોધ્યા મુલાકાતનું શેડ્યૂલ ફરીથી નક્કી કરવામાં આવ્યું છે, કારણ કે મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજ્યસભાની છ બેઠકો માટે 10 જૂને મતદાન થવાનું છે. આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે તેઓ ભગવાન રામના આશીર્વાદ લેવા અયોધ્યા જશે અને મહારાષ્ટ્રમાં રામ રાજ્ય લાવશે.
આ કોઈ રાજકીય યાત્રા નથી, પરંતુ સંપૂર્ણ રીતે ધાર્મિક ઉદ્દેશ્ય સાથે છે: રાઉત
શિવસેનાના રાજ્યસભા સાંસદ અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે થોડા દિવસો પહેલા મીડિયાને કહ્યું હતું કે “આદિત્ય ઠાકરે રામ લલ્લાના દર્શન માટે અયોધ્યા જશે. આ કોઈ રાજનૈતિક યાત્રા નથી, પરંતુ સંપૂર્ણ ધાર્મિક ઈરાદા સાથે છે.” તેમણે કહ્યું કે આદિત્ય ઠાકરેની મુલાકાત દરમિયાન મહારાષ્ટ્ર અને ભારતના અન્ય ભાગોમાંથી હજારો શિવસૈનિકો અને યુવા સૈનિકો અયોધ્યા જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઠાકરેની આ મુલાકાત મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાતના 10 દિવસ બાદ થશે.
તમને જણાવી દઈએ કે અયોધ્યામાં પોસ્ટર અને બેનરો સાથે શિવસેના નેતા આદિત્યની મુલાકાત માટે વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં રાજ ઠાકરે પર કટાક્ષ કરતા લખવામાં આવ્યું છે કે અસલી નેતા આવી રહ્યા છે. બનાવટીથી સાવધ રહો. સંજય રાઉતે જો કે કહ્યું હતું કે અયોધ્યામાં આવા પોસ્ટર-બેનરો કોણે લગાવ્યા તે અંગે તેઓ જાણતા નથી અને પુનરોચ્ચાર કર્યો કે આદિત્યની મુલાકાત માત્ર રામ લલ્લાના દર્શન માટે જ હશે.
રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાતને લઈને હોબાળો
ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેના અયોધ્યા પ્રવાસને લઈ ભાજપ સાંસદ બ્રિજભૂષણ સિંહે રાજ ઠાકરેને ધમકી આપી છે કે જ્યાં સુધી તેમની પાર્ટી મનસે તરફથી ઉત્તર ભારતીયોની સાથે કરેલા વ્યવહારને લઈ માફી નહીં માગે, ત્યાં સુધી તેમને અયોધ્યામાં ઘુસવા દેવામાં નહીં આવે. શિવસેના, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસે મહારાષ્ટ્ર ભાજપને રાજ ઠાકરેના વિરોધને ધ્યાનમાં રાખીને પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/do9RSGe
via IFTTT