આલિયા ભટ્ટની (Alia Bhatt) તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘RRR’એ ઘણી ચર્ચા જગાવી છે. આ ફિલ્મ એ આલિયા ભટ્ટ અને અજય દેવગણ (Ajay Devgn) માટે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફર્સ્ટ ડેબ્યુ ફિલ્મ છે. ‘RRR’ ફિલ્મને ભારતભરમાંથી દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મની શરૂઆતમાં જે ગીત છે, તેમાં પોતાનો સુરીલો અવાજ ગુજરાતની આ દીકરીએ આપ્યો છે. આ દીકરી રાગ રાજીવ પટેલ (Raag Rajeev Patel) સાથે ટીવી 9 ગુજરાતીએ ખાસ મુલાકાત કરી છે. જેના અમુક અંશો તમે અહીંયા નિહાળી શકો છો.
હાલમાં RRR ફિલ્મ દક્ષિણ ભારત સહિત દેશભરમાં હિટ થઈ રહી છે. ‘બાહુબલી’ ફેમ ડિરેક્ટર એસ.એસ.રાજામૌલી ફરી એકવાર દર્શકોના દિલ જીતવામાં સફળ રહ્યા છે. 25 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મ લોકોને પસંદ આવી રહી છે. તેમજ દર્શકોમાં પણ આ ફિલ્મને નિહાળવાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ફિલ્મની સફળતા પાછળ એક ગુજરાતી 15 વર્ષીય રાગ પટેલનો પણ પરિશ્રમ છે.
ગુજરાતની આ સ્વર કોકિલાએ ફિલ્મની શરૂઆતમાં જ શાનદાર ગીત ગાયું છે. જે દર્શકોને ખુબજ પસંદ આવી રહ્યું છે. રાગ પટેલે થિયેટરમાં ફિલ્મ જોવાની સાથે જ પોતાના જ મધૂર સ્વરને પણ માણ્યો હતો. મૂળ અમદાવાદની રાગ પટેલ જ્યારે પણ કોઈ ગીત ગાતી હતી ત્યારે ઘણા લોકોએ કહ્યું કે તેણે ફિલ્મમાં પણ ગાવું જોઈએ. આજે આ વાત ચમત્કારિક રીતે સફળ થઇ રહી છે. તાજેતરમાં રાગ પટેલને ફિલ્મ ડેબ્યૂમાં સફળતા મળી છે અને એ પણ બીજી કોઈ નહીં પરંતુ RRR જેવી બિગ બજેટ ફિલ્મમાં. આ ખુબ જ ગૌરવપ્રદ બાબત છે.
આ ખાસ મુલાકાતમાં રાગ પટેલે જણાવ્યું કે, પિતા રાજીવ પટેલે તેમની ઉત્કૃષ્ટ ગાયકીનો આ રાઝ અત્યાર સુધી છુપાવી રાખ્યો હતો. જેના પરથી હવે પદડો ઉંચકાતા RRR ફિલ્મનું ગુજરાતી કનેક્શન પણ સામે આવ્યું છે. રાગ પટેલે પિતા રાજીવ પટેલની સલાહ માનીને આ ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું. જેમાં તેણીએ 3 ગીતો મોકલ્યા હતા. ત્યારબાદ RRR ફિલ્મના નિર્માતાઓ દ્વારા રાગ અને તેમના પિતા રાજીવ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેઓ બંને હૈદરાબાદ ગયા હતા અને જ્યાં રાગ પટેલની મુલાકાત ફિલ્મની ટીમ સાથે થઇ હતી.
રાગ પટેલ જણાવે છે કે, તે નાનપણથી જ સિંગીંગમાં અભિરુચિ ધરાવે છે. તે પોતાના શિક્ષકો અને માતા-પિતાને આદર્શ માને છે. આ ફિલ્મની અભૂતપૂર્વ સફળતા બાદ રાગ પટેલ હવે બોલીવુડમાં સિંગિંગ કરિયર બનાવવા માંગે છે. તેણીએ ભારતીય શાસ્ત્રીય સંગીતનો પણ ઊંડાણ પૂર્વક અભ્યાસ કરેલો છે. રાગ જણાવે છે કે, તેની સફળતા પાછળ તેના માતા-પિતાની સલાહ, તેની અથાગ મહેનત અને ઈશ્વરના આશીર્વાદ છે.
તમને જણાવી દઈએ કે, બાળ ગાયિકા રાગ પટેલ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ માધ્યમોમાં પોતાના સુરીલા અવાજમાં રેકોર્ડ કરેલા ગીતો ‘રાગ સુરતાલ’ નામની ચેનલ/ પેજ હેઠળ અપલોડ કરતી રહે છે. જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. રાગ પટેલનું મિત્ર મંડળ અને શાળાનો પરિવાર પણ તેની આ અભૂતપૂર્વ સફળતાથી ખુબ જ ખુશ-ખુશાલ છે. રાગ પટેલને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે ખુબ ખુબ શુભકામનાઓ!!
આ પણ વાંચો – શોકિંગ : RRR ફિલ્મની HD પ્રિન્ટ આ વેબસાઈટ પર થઇ રહી છે ફ્રીમાં ડાઉનલોડ
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/UE13TBG
via IFTTT