
યુક્રેનમાં (Ukraine) યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાનો (Naveen Shekarappa) મૃતદેહ સોમવારે ભારત પહોંચશે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ આ જાણકારી આપી છે. બસવરાજ બોમાઈએ જણાવ્યું હતું કે યુક્રેનમાં ગોળીબારમાં માર્યા ગયેલા ખાર્કિવ મેડિકલ યુનિવર્સિટીના અંતિમ વર્ષના મેડિકલ વિદ્યાર્થી નવીન શેખરપ્પાનો મૃતદેહ 21 માર્ચે બેંગલુરુ એરપોર્ટ પહોંચશે. 21 વર્ષીય નવીનનું ઘર કર્ણાટકના હાવેરી જિલ્લામાં છે. તેમના મૃત્યુ પછી, નવીનનો મૃતદેહ ખાર્કિવ મેડિકલ યુનિવર્સિટીના શબઘરમાં રાખવામાં આવ્યો હતો.
નવીન શેખરપ્પા ખાર્કિવ શહેરમાં રહીને મેડિકલ અભ્યાસ કરતા હતા. તેઓ ત્યાં ચોથા અને અંતિમ વર્ષના વિદ્યાર્થી હતા. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે નવીનનું મૃત્યુ ત્યારે થયું જ્યારે તે ભોજન, પાણી અને પૈસા લેવા માટે બંકરમાંથી બહાર નિકળા. તે જ્યાંથી ભોજન અને પાણી લેવા ગયા હતા તે દુકાન બંકરથી માત્ર 50 મીટર દૂર હતી.
નેતાઓએ યુક્રેન પર રશિયાના હુમલાના છઠ્ઠા દિવસે થયેલી વિદ્યાર્થીના મૃત્યુની નિંદા કરી હતી. વિદ્યાર્થીના મૃત્યુ બાદથી તેના મૃતદેહને ભારત લાવવાના અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે.
ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી
ભારતીય દૂતાવાસે ટ્વિટ કર્યું, ‘યુક્રેનમાં રહેતા ભારતીયો, ભારતીય દૂતાવાસ હજુ પણ કામ કરી રહ્યું છે. અમારા ઈમેલ આઈ ડી અને હેલ્પલાઈન નંબર દ્વારા સંપર્ક કરી શકાય છે. ઈમેલ આઈડી છે- cons1.kyiv@mea.gov.in અને 24*7 સપોર્ટ માટે વોટ્સએપ નંબરો છે – +380933559958, +919205209802 અને +917428022564.’ ભારતીય દૂતાવાસને 13 માર્ચે પોલેન્ડની રાજધાની વોર્સોમાં અસ્થાયી રૂપે સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે આ વિશે કહ્યું હતું કે ઝડપથી બગડતી સુરક્ષા સ્થિતિને કારણે આવું કરવામાં આવ્યું છે.
યુક્રેનમાંથી 22 હજારથી વધુ લોકોને પાછા લાવવામાં આવ્યા
વિદેશ મંત્રાલયે ઓપરેશન ગંગા હેઠળ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી 22,500થી વધુ ભારતીયોને બહાર કાઢ્યા છે. યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવેલા મોટાભાગના લોકો ભારતીય વિદ્યાર્થીઓ છે. રશિયાએ યુક્રેનમાં સૈન્ય આક્રમણ શરૂ કર્યાના બે દિવસ બાદ 26 ફેબ્રુઆરીએ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં 15-20 ભારતીયો છે જેઓ બહાર નીકળવા માંગે છે અને તેમને તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી કે ‘ઓપરેશન ગંગા’ હજુ ચાલુ છે.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/9yl8Qom
via IFTTT